
“રંગીલા રાજકોટીઓનો ફાફડા-જલેબી પર ફિદા પ્રેમ: વહેલી સવારથી લાઈનો, કરોડોનું વેચાણ”
રાજકોટમાં આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબી આરોગવાનું અનેરું મહત્ત્વ હોય વહેલી સવારથી શહેરની તમામ ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી. રાજકોટવાસીઓ આ દિવસે સવારના નાસ્તામાં ગરમા-ગરમ ફાફડા અને જલેબીની મજા માણે છે. દશેરાના એક જ દિવસમાં રાજકોટમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ વર્ષે બજારમાં ફાફડાના ભાવ પ્રતિ કિલો 580 રૂ. જોવા મળી રહ્યા છે, જે ખાસ કરીને સીંગતેલમાં બનાવવામાં આવ્યા છે. જ્યારે શુદ્ધ ઘી અને કેસરયુક્ત જલેબી પ્રતિ કિલો 600 રૂ.ના ભાવે વેચાઈ રહી છે.
આજે વહેલી સવારથી લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક લાઇનો લગાવીને પોતાની મનપસંદ ફરસાણ અને મીઠાઈની ખરીદી કરી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકોટવાસીઓ દશેરાના પર્વને ફાફડા-જલેબીના સ્વાદ સાથે કેવી રીતે મનાવે છે. આજે રાજકોટવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગીને વિજયાદશમીની ઉજવણી કરશે. આ પરંપરાગત ખાદ્ય ચીજવસ્તુઓ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ આ પર્વની વિશેષ ધાર્મિક અને સામાજિક ઓળખ માટે પણ એટલી જ મહત્વની છે.
આજે દશેરાના દિવસે ફાફડા-જલેબીનું મહત્વ આખા ગુજરાતમાં એટલું બધું છે કે લોકો ગમે તેટલી મીઠાઈ દરરોજ ખાતા હોય, પણ દશેરાના દિવસે તો ફાફડા-જલેબી ખાવા જ પડતા હોય છે.
રાજકોટમાં ફાફડા-જલેબીનું ખાસ મહત્વ પહેલાથી જ છે. તેમાં પણ દશેરાનાં દિવસે તો લોકો અચૂક ફાફડા-જલેબી આરોગતા હોય છે. અસત્ય ઉપર સત્યનાં વિજય તરીકેનાં આ પર્વને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજના દિવસે રાજકોટમાં કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબીનું વેંચાણ થતું હોય છે. જે અંતર્ગત આજે સવારથી ફાફડા-જલેબી ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
