
ફતેપુરા: ઘૂઘસમાં ૧.૮૦ કરોડના રોડનું ખાતમુહૂર્ત
દાહોદ: ઘૂઘસ ગામે ૧.૮૦ કરોડના રોડનું મંત્રી હસ્તે ખાતમુહૂર્ત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા અંતરિયાળ ઘૂઘસ ગામ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન કાચા રસ્તા અને કાદવ-કીચડની સમસ્યા વેઠતા ગ્રામજનોની માંગણી આખરે સંતોષાઈ છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ. ૧ કરોડ ૮૦ લાખના માતબર ખર્ચે બનનારા ૩ કિલોમીટર લાંબા પાકા રસ્તાનું રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મહત્વની સુવિધાઓને જોડતો માર્ગ આ નવો મંજૂર થયેલો માર્ગ હોળી ફળિયામાં ખુંટા મેન રોડથી શરૂ થઈને સરકારી દવાખાના સુધી જશે. આ રસ્તો ગામ માટે જીવનરેખા સમાન છે, કારણ કે આ જ માર્ગ પર ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાનું, પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક શાળા આવેલા છે. ચોમાસામાં આ રસ્તો અત્યંત બિસમાર બની જતો હોવાથી ફતેપુરા જવા માટે લોકોને ભારે મુશ્કેલી પડતી હતી.
નેતાઓના પ્રયાસો રંગ લાવ્યા આ રસ્તા માટે તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી અને સરપંચ મંગળભાઈ પારગી દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. તેમના સતત પ્રયત્નોના ફળસ્વરૂપે આખરે સરકારે માટી, મેટલ અને ડામર કામ માટે મંજૂરી આપી છે.
ગ્રામજનોમાં ઉત્સાહ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી રમેશભાઈ કટારા પહોંચતા જ ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો અને આસપાસના ગામોના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘૂઘસ ગામના વિકાસને શુભકામનાઓ પાઠવી હતી.
