
એક સમાજ એક રિવાજ: ઠાકોર સમાજ માં કુરિવાજો પર પ્રતિબંધ
ઠાકોર સમાજનું નવું બંધારણ: ગેનીબેન ઠાકોરે લીધા ક્રાંતિકારી શપથ
બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી વિસ્તારોના ઠાકોર સમાજ માટે આગામી 4 જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. દિયોદર તાલુકાના ઓગાડ મુકામે યોજાનારા મહાસંમેલન પૂર્વે પાટણમાં સામાજિક અગ્રણીઓ અને સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં નવા બંધારણનું વાંચન અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરી આધુનિક અને શિસ્તબદ્ધ સમાજનું નિર્માણ કરવાનો છે.
શિક્ષણ એ જ રામબાણ ઈલાજ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “સમય બદલાતા રીત-રિવાજોમાં સુધારો અનિવાર્ય છે. દેખાદેખી અને ખોટા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ દેવા હેઠળ દબાઈ રહ્યો છે. જો આ ખર્ચ બચાવીને શિક્ષણમાં વાપરવામાં આવે, તો સમાજ તમામ બદીઓમાંથી મુક્ત થશે.” આ સંમેલનમાં પક્ષાપક્ષી ભૂલીને તમામ પક્ષના ઠાકોર આગેવાનો એક મંચ પર આવ્યા છે.
નવા બંધારણના મુખ્ય 16 નિયમો:
-
લગ્ન-સગાઈ મર્યાદા: સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓ અને લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિઓ તથા 11 વાહનો સુધી સીમિત રહેશે.
-
ઉજવણી પર અંકુશ: જાનમાં સનરૂફ ગાડીઓ, ડીજે કે લાંબી કતારો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર પરંપરાગત ઢોલ-શરણાઈનો ઉપયોગ કરી શકાશે.
-
પ્રથાઓની નાબૂદી: લગ્ન લખવા, હલ્દી રસમ, ઢૂંઢ અને ઓઢમણા જેવી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાશે.
-
શિક્ષણ પર ભાર: જન્મદિવસની ઉજવણીનો ખર્ચ શૈક્ષણિક સંસ્થાઓ કે લાયબ્રેરીમાં દાન આપવાનો રહેશે.
-
કઠોર સામાજિક બહિષ્કાર: મૈત્રી કરાર કે ભાગીને કરેલા લગ્નને સમાજ માન્યતા આપશે નહીં. જો કોઈ બંધારણનો ભંગ કરશે, તો તેમના પ્રસંગમાં કુટુંબીજનો કે સગા-વહાલાઓ હાજરી આપશે નહીં.
-
વ્યસન મુક્તિ: કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
આગામી 4 જાન્યુઆરીએ ઓગાડ ખાતે 40 હજારથી વધુ લોકો અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ 27 તાલુકાઓના નવા બંધારણનો વિધિવત અમલ શરૂ કરવામાં આવશે. સામાજિક એકતા અને શિક્ષણના પ્રસાર માટે ઠાકોર સમાજની આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
