
વડોદરા: સગીરે કાર ચલાવી 15 માસના બાળક સહિત 5ને અડફેટે લીધા
વડોદરામાં આઈસ્ક્રીમ ખાવા નીકળેલા સગીરે કારથી અનેક વાહનોને અડફેટે લીધા
વડોદરા :વડોદરાના હરણી વિસ્તારમાં ગત રાત્રે સગીર નબીરાની બેદરકારીને કારણે અનેક પરિવારો મુસીબતમાં મુકાયા હતા. મોટનાથ મહાદેવ રોડ પર રહેતો 16 વર્ષનો સગીર, જેના પિતા કામ અર્થે મુંબઈ ગયા હતા, તે ઘરેથી કારની ચાવી લઈને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. હરણી રોડ પર પૂરઝડપે કાર ચલાવી રહેલા આ સગીરે એક પછી એક 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં સૌથી વધુ ઈજા 15 માસના બાળક અને તેના માતા-પિતાને પહોંચી હતી, જેઓ ભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા.
અકસ્માતનો ભોગ બનનાર હીના પટેલે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાળમુખી કારે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે ભોગ બનનારા તમામ લોકો રોડ પર પટકાયા હતા. કારની રફતાર એટલી હતી કે તે અમિતનગર બ્રિજ નીચે ઉભેલા એક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયા બાદ જ ઉભી રહી શકી હતી.
આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો અને રાહદારીઓનો પિત્તો ગયો હતો. અંદાજે 200 લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી અને સગીરને કારમાંથી બહાર ખેંચી મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પથ્થરમારો કરી કારની તોડફોડ પણ કરી હતી. આ દરમિયાન હરણી પોલીસના એક કોન્સ્ટેબલ ત્યાંથી પસાર થતા તેમણે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો, પરંતુ વિફરેલા ટોળાએ તેમને પણ ધક્કે ચઢાવી તેમની બાઈકમાં નુકસાન પહોંચાડ્યું હતું.
અંતે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સગીરને ટોળાથી બચાવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનનારાઓની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ દ્વારા સગીર સંતાનોને વાહન સોંપવાની ગંભીર ભૂલ સામે લાલબત્તી ધરી છે.
