માવસરી ગૌશાળામાં ₹1.24 કરોડનું કૌભાંડ: સંચાલક સામે રોષ

માવસરી ગૌશાળામાં ₹1.24 કરોડનું કૌભાંડ: સંચાલક સામે રોષ

ધરણીધરના માવસરીમાં ગૌસેવાના નામે મસમોટું ભ્રષ્ટાચાર: ₹1.24 કરોડની ઉચાપતનો પર્દાફાશ

કરોડનું કૌભાંડ : ગૌશાળા હંમેશા નિરાધાર, વૃદ્ધ અને બીમાર ગાયોના આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક દાન આપતા હોય છે. પરંતુ ધરણીધર તાલુકાના માવસરી ગામમાં ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં કરોડોના કૌભાંડની કાળી ટીલી લાગી છે. માવસરી ગૌશાળાના સંચાલકો દ્વારા અંદાજે ₹1 કરોડ 24 લાખની ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર ખુલાસો થયો છે.

આ કૌભાંડની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે તેમાં સરકારી અને જાહેર જનતા એમ બંનેના પૈસાની ઉચાપત થઈ છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગાયોના ખોરાક અને રહેઠાણ માટે રાજ્ય સરકાર દ્વારા ₹94 લાખની મોટી સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, માવસરી ગામના લોકોએ પોતાની મહેનતની કમાણીમાંથી ગાયોની સેવા માટે ₹30 લાખનું ભંડોળ એકઠું કર્યું હતું, જે ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યું હતું. આ બંને રકમ મળીને કુલ ₹1,24,00,000 જેવી માતબર રકમ ગૌશાળાના ખાતામાંથી ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન પ્રાથમિક રીતે એવું બહાર આવ્યું છે કે ટ્રસ્ટના જવાબદાર સંચાલકોએ આ નાણાં ખાતામાંથી ટ્રાન્સફર કરીને અંગત સ્વાર્થ માટે વાપર્યા છે અથવા તેનો દુરુપયોગ કર્યો છે. આ બાબતની જાણ થતા જ ગૌસેવકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગૌસેવકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ કૌભાંડ ચલાવી લેશે નહીં અને ટૂંક સમયમાં જ તમામ બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજી પુરાવાઓ સાર્વજનિક કરી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડશે.

આ ઘટનાએ ગૌસેવા સંસ્થાઓના વહીવટ પર પણ પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ગાયોના નામે થયેલા આ પાપમાં જે પણ સંડોવાયેલ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )